મોરબી શહેર અને જિલ્લામા પાટીદાર સમાજને નિશાન બનાવી વ્યાજખોરો, લુખ્ખાઓ દમન ગુજારવાની સાથે હાલમાં સમાજના અનેક યુવાનો નશા અને ઓનલાઈન ગેમિંગને રવાડે ચડી ગયા હોય પાટીદાર સમાજને આવા અનિષ્ઠથી બચાવવા લાભ પાંચમના પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના થઈ છે. તેમજ ગત તારીખ 16 નવેમ્બરને શનિવારના રોજ મોરબીના બગથળા ગામે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર યુવા સેવા સંઘમાં 2500 યુવાનો જોડાયા હતા. તેમજ પાટીદાર યુવા સેવા સંઘના અધ્યક્ષ તરીકે પણ મનોજ પનારાની નિમણૂક કરવામાં આવી છે.
મનોજ પનારાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના પાટીદાર સમાજને ટારગેટ કરી વ્યાજખોરી, લુખ્ખાગીરી, છેડતી, ખોટી રીતે દબામણી સહિતના કિસ્સાઓ વધી રહ્યા હોવાથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે. પ્રથમ તબક્કે મોરબી જિલ્લામાં 25 હજાર સભ્યોનું સંગઠન બનાવી સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યા પાટીદાર સમાજની જમીન પચાવી પાડવી, વ્યાજખોરી, છેડતી સહિતના બનાવોમાં ભોગ બનનારને પાટીદાર યુવા સેવા સંઘ મદદ ક૨શે જેમાં નિવૃત પોલીસ કર્મચારી, સમાજના વડીલો, વકીલો અને ઉદ્યોગકારો પાસેથી મદદ લેવામાં આવશે. મોરબીમાં વ્યાજખોરી અને આર્થિક સંકળામણને કારણે છ મહિનામાં ત્રણ પાટીદાર યુવાનો ભોગ બન્યા છે. ત્યારે આવા બનાવ બનતા અટકાવવા એ જ પાટીદાર યુવા સેવા સંઘનું મુખ્ય કામ રહેશે. પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા સમાજ ઉપર થઇ રહેલા ખોટા અત્યાચાર રોકવાની સાથે પાટીદાર યુવાનોને નશાની આદતમાંથી બહાર કાઢવા, ઓનલાઈન ગેમિંગ જેવા દુષણથી બચાવવા ઉપરાંત સમાજમાં દેખાદેખીમા થતા ખોટા ખર્ચ બંધ કરાવી કુરિવાજો સામે પણ સંઘ જાગૃતિ લાવી પાટીદાર સમાજના હિતમાં કામ કરશે.
