મોરબીમાં અમદાવાદ જેવી ઘટના સર્જાતા સહેજમાં અટકી છે. શહેરના રામચોક વિસ્તારમાં એક કાર ચાલકે ઉધમ મચાવ્યો હતો. આ કાર ચાલકે આડેધડ કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રામચોકમાં આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે બેરીકેડ ઉલાળ્યા હતા. ત્યારબાદ તેને આગળ જઈ કાર ફૂલ સ્પીડે રિવર્સ લઈ જવાહર પાન પાસે એક એક્ટિવાને હડફેટે લીધું હતું. જેમાં એક મહિલાને ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ આ કાર ચાલકે રોડ વચ્ચે કાર રાખતા ટ્રાફિક પણ થયો હતો. આમ કાર ચાલકે ભરબજારે ઉધમ મચાવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. આ અંગે એલસીબી પીઆઈ પંડયા ત્યાથી પસાર થઈ રહ્યા હતા. તેઓએ કહ્યું કે તેઓએ ઘટના દૂરથી જોઈ અને તુરંત ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તે દરમિયાન કાર ચાલક ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં તેઓએ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ મામલે એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજાએ જણાવ્યું કે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે કાર નીકળી ગઈ હતી. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
