માળીયા (મિં) તાલુકાના બગસરા ગામની હદમાં મીઠુ પકવવા માટે આપેલ સરકારી જમીન પર નકલી અગરીયાની તપાસ કરવા તથા યોગ્ય કાર્યવાહી કરવા બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાનજીભાઈ પીપળીયાએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, માળીયા (મીં.) તાલુકાનાં બગસરા ગ્રામ પંચાયતની હદમાં અને દરીયાકાંઠે અને ખરાબામાં સરકાર દ્વારા 30 થી 40 વર્ષ અગાઉ મીઠા ઉત્પાદન માટે અગરીયાઓને અનેક જમીનો 10-10 એકરોનાં હુકમ અને લીઝો આપેલ હતી અને મીઠુ ઉત્પાદન કરી રોજીરોટી મેળવતા હતા અને સરકારે આપેલી શરતોનું પાલન પણ કરતાં હતા. પણ બહારથી મોટા મીઠા ઉદ્યોગપતિ દ્વારા આવા નાના અગરીયાઓને સરકાર દ્વારા આપેલ જમીન પર થોડા ઘણા પૈસા આપીને અને અમુકને બળજબરી કરી પરાણે પૈસા આપીને હાલે વર્ષો થયા કાંતો તેમના નામે જમીનો કરી કાં તો તેમના નામ ઉપર મીઠા ઉત્પાદન કરી આવા આવારા તત્વો સરકારી તંત્રને અગરીયાઓ હૈયાત ન હોવા છતાં તેમના નામે ખોટી અને બોગસની સહીઓ કરીને આવી ગેરરીતી ચલાવી રહ્યા છે. અને આપેલ હુકમો અને લીઝોની શરતોનું ખુલ્લેઆમ ભંગ કરી એકપણ શરતોનું પાલન કરતાં નથી અને આજની તારીખે અમુકની મહેસુલ બાકી છે છતાં આવી જમીનો પર કબ્જા કરી અને દબાણ કરીને આવા અનેક અગરીયાઓ બનીને તેમના નામે ચલાવે છે.
વધુમાં તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, બગસરા ગ્રામ પંચાયત 2 નંબર રજીસ્ટરમાં આવા સરકાર દ્વારા મળેલ જમીનો પર અત્યારે સ્થળ પર બીજા મીઠા ઉદ્યોગપતિ કબ્જા કરીને નકલી અરજદાર બનીને મીઠા ઉત્પાદન કરી તંત્ર અના સરકાર દ્વારા મળેલા હુકમો, લીઝો, પુરા થઈ ગયા હોવા છતા આજની તારીખે કાં તો પોતાના નામે જમીનો કરી બેઠા છે, અથવા તો તેમના નામે ચલાવે છે. તો આપ સાહેબને આ તપાસ કરીને તંત્ર સાથે છેતરપીંડી અને સરકારી જમીનો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. જેથી તપાસ કરી મુળ સાચા અગરીયાઓના વારસદારોને ન્યાય અપાવવા આપ સાહેબ પાસે અમારી રજૂઆત છે.
