હળવદમાં ભાજપના આગેવાન સંચાલિત જુગાર ક્લબ ઉપર પોલીસના દરોડા બાદ રાજકારણ ગરમાયુ છે. જિલ્લા ભાજપ પ્રમુખે બે ભાજપ આગેવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. હજુ પણ એક સ્થાનિક નેતાની આમાં સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેની ઉપર પણ પગલાં લેવાય તેવી શકયતા છે.

હળવદની સરા ચોકડી નજીક સામતસર તળાવ પાસે આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઘોડીપાસાની જુગાર કલબ શરૂ થઈ હોવાની બાતમી મળતા હળવદ પીઆઇ આર.ટી.વ્યાસની ટીમે ભાજપના આગેવાનો સહિતના 18 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે બે આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે રૂ. 2,02,100ની રોકડ સાથે 20 આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ જુગાર ક્લબ સાથે સંકળાયેલા ભાજપના પ્રદેશ કિસાન મોરચાના સદસ્ય વલ્લભભાઈ ખાવડીયા અને હળવદ તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ વઢરેકીયાને પ્રદેશ ભાજપની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
