મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા સૂચિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં કલેક્ટએ વહીવટી તંત્રની વિવિધ કચેરીઓના પેન્શન કેસ તથા સંકલન સહ ફરિયાદ સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરી દરેક કચેરીમાં કામગીરીમાં નિયમિતતા જળવાય અને કચેરી વ્યવસ્થાપન અને દરેક રજીસ્ટરની નિભાવણી યોગ્ય રીતે થાય તે માટે સૂચના આપી હતી. કલેક્ટરએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક અધિકારી/કર્મચારી દ્વારા લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરવી જોઈએ.

જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મચ્છુ – ૨ ડેમના દરવાજા રીપેર કરવા માટેનું પૂર્વ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા ૯ જેટલા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે વિગતવાર છણાવટ કરી પદાધિકારીઓને સંતોષપૂર્વક જવાબ આપી સબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
