Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લાભાર્થીઓ મેળવી શકશે

મોરબી જિલ્લામાં મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લાભાર્થીઓ મેળવી શકશે

મોરબી જિલ્લામાં મહિલાઓને સ્વરોજગાર મળે અને તેઓને મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ મળે તે હેતુથી રૂ.૦૨ લાખ સુધીની લોન અને સબસીડી મળશે. મહિલા સ્વાવલંબન યોજના એ મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની નવી તક છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનો હેતુ મહિલાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે. જે તેમને સમાજમાં અને અર્થવ્યવસ્થામાં મજબૂત સ્થાન મેળવવામાં મદદરૂપ થશે. આ યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય અપાશે. જેમાં કિરાણા સ્ટોર, કપડાં અથવા સ્ટેશનરીની દુકાન, દરજી કામ, દુધ- દહીંના વેચાણની દુકાન, રેડીમેઇડ ગારમેન્ટસ તથા હોઝીયરીનું વેચાણ, મેડિકલ સ્ટોર વગેરે જેવા ૩૦૭ જેટલા વ્યવસાયો માટે રૂ. બે લાખ સુધીની લોન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજનામાં સહાય મેળવવાની પાત્રતા જોઈએ તો ૧૮ થી ૬૫ વર્ષની મહિલાઓ લાભ મેળવી શકે છે. તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- આવક મર્યાદા છે. આ યોજનામાં સબસીડીની પાત્રતા જનરલ કેટેગરી માટે ૩૦% અથવા રૂ.૬૦,૦૦૦/-, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ માટે ૩૫% અથવા રૂ.૭૦,૦૦૦/-, વિધવા મહિલા, ૪૦% વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલા ૪૦% અથવા રૂ.૮૦,૦૦૦/- બંનેમાંથી જે ઓછું હોય તે સબસીડી મળવાપાત્ર રહેશે.

આ યોજનાના નિયત નમુનામાં અરજી પત્રક ભરીને જરૂરી આધાર પુરાવાની ૨ નકલ સાથે જોડીને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નંબર ૦૧, ગ્રાઉન્ડ ફ્લોર, એ- વિંગ, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી- ૩૬૩૬૪૨ ખાતે કચેરી સમય અને કામકાજના દિવસો દરમિયાન મોકલી આપવાના રહેશે. આ યોજનાનો મોરબી જિલ્લાની મહિલાઓ વધુમાં વધુ લાભ લે તે માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments