મોરબી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડની સમસ્યા સર્જાયા બાદ 17 આધારકાર્ડ કેન્દ્રો જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાવવામાં આવ્યા છે. લોકોને પોતાના ઘરની નજીકના આધારકાર્ડ કેન્દ્રનો લાભ લેવા જિલ્લા કલેકટરે જાહેર અપીલ પણ કરી છે.

છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના સુધારા વધારા તેમજ રેશન કાર્ડમાં ઇ કેવાયસીને લઈને આધારકાર્ડ સેન્ટરો ઉપર લોકોનું ટ્રાફિક વધ્યું છે. ખાસ તાલુકા સેવા સદન ખાતે વહેલી સવારથી લોકો કતારો લગાવી દેતા હતા. દરરોજ 100થી 150 લોકો અહીં આવતા હતા. પણ ટોકન માત્ર 40 જેટલા લોકોને જ આપવામાં આવતું હોય અનેક લોકોને ધક્કા થતા હતા. જેને પગલે ગઈકાલે જિલ્લા કલેકટર દ્વારા અહીં બે કીટ શરૂ કરાવી 100 લોકોને ટોકન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આજે ફરી જિલ્લા કલેકટર અને પ્રાંત સવારે 8:30 વાગ્યાના અરસામાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. જ્યાં કલેકટરે મોરબી તાલુકામાં 17 આધારકાર્ડ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા હોવાનું અરજદારોને જણાવ્યું હતું અને દૂરથી અહીં સુધી હવે ધક્કો નહિ ખાવો પડે તે બાબતે અવગત કર્યા હતા.

જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું કે બેંકો, આઇસીડીએસ, પોસ્ટ, વીસીઇ આ સહિતની જગ્યાઓએ જે કીટ છે. તેને સૂચના આપી ચાલુ કરાવવામાં આવી છે. હવે લોકો 10 વાગ્યે આવશે તો પણ ચાલશે. ભીડ કરવાની જરૂર નથી. દરેક લોકોને ટોકન મળશે. કોઈને ધક્કો નહિ થાય. જિલ્લામાં 50 જેટલી કીટ કાર્યરત કરાવવામાં આવશે.