મોરબી: “સેવા પરમો ધર્મ” અને “ગૌસેવા દવારા રાષ્ટ્ર સેવા” ના મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર દેશમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિ ના પુનઃસ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા રાષ્ટીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ વ્યકિતગત જીવનમાં માનવસેવાને પ્રાધાન્ય આપી ૧૩૩ વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને જોડી જનચેતનાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરૂ પાડયું છે. તબીબી વ્યવસાય સાથે સમાજસેવા ડો. કથીરિયાના જીવનનું અંગ બની રહયું. કિશોરવયથી આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો-મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિનો જનકલ્યાણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનારા ડો. વલ્લભભાઈએ “ચેરીટી બીગીન્સ એટ હોમ” ના સિધ્ધાંતને જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.

જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ૩૦ નવેમ્બર ના રોજ સામાન્ય ખેડૂત પિતાશ્રી રામજીભાઇ અને માતા રંભાબેનની કૂખે જન્મેલા ડો. કથીરિયા સંઘર્ષ કરી સ્વબળ અને બુધ્ધિ પ્રતિભાના આધારે હંમેશા અવ્વલ નંબરે ઉર્તિણ થઈ, જુના એસ.એસ.સી. બોર્ડમાં સેન્ટર ફર્સ્ટ” રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી. રાજનીતિમાં હોવા છતાં પણ દરીદનારાયણની સેવા માટે ગંભીર અને જોખમી ઓપરેશન કરીને પણ અનેક દર્દીઓના જાન બચાવવામાં ડો. કથીરિયા યશસ્વી અને સફળ રહ્યા છે.
ડો. વલ્લભભાઈ કથીરિયા રાજકોટ લોકસભાની બેઠક પરથી ૧૯૯૬ થી ૨૦૦૯ સુધી ચાર-ચાર વખત ચૂંટાઈને તેમની લોકપ્રિયતા પૂરવાર કરી ચૂકયા છે. ૧૨મી લોકસભામાં ૩,૫૪,૯૧૬ મતથી દેશભરમાં સૌથી વધારે લીડથી ચૂંટાવાનો વિક્રમ ધરાવે છે. રાજકારણમાં રહીને પણ નખશીખ પ્રમાણિક રહી રાત-દિવસ જોયા વગર, નાનાથી માંડી મોટા સૌ કોઈના કામ માટે સદા તત્પર ડો. કથીરિયાએ તેમના સહજ-સરળ અને નિખાલસ સ્વભાવથી લોકોના હદયમાં સ્થાન જાળવી રાખ્યું છે. અટલ બિહારી વાજપૈયીના મંત્રીમંડળમાં ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો, શિક્ષણ અને આરોગ્ય મંત્રી તરીકે ઉમદા કામગીરી કરી અનેક નવી યોજનાઓ અને નીતિ ઘડતરમાં ફાળો આપ્યો હતો.

૧૯૭૫-૭૭ ની કટોકટી દરમ્યાન વિદ્યાર્થીકાળમાં અમદાવાદમાં જેલવાસ પણ ભોગવ્યો છે. ૧૯૭૩-૭૪ માં નવનિર્માણ આંદોલનની જે.પી. મુવમેન્ટમાં જોડાવાનું સદ્ભાગ્ય પણ ડો. કથીરિયા ધરાવે છે. તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે રક્તદાન, વૃક્ષારોપણ, પર્યાવરણ અને દુષ્કાળમાં મેડીકલ અને કેટલ કેમ્પ, મોરબીની પુર હોનારત, કચ્છનો ભયાનક ભૂકંપ કે સૌરાસ્ટ્રનું જળ બચાવો અભિયાન, કૃષિ મેળા, આરોગ્ય મેળા, પુસ્તક મેળા વગેરે ડો. કથીરિયાના કાર્યના પર્યાય છે. અને એટલે જ તો રાજકોટની જનતાએ તેમને “ચેકડેમ સાંસદ” અને “મેળાના મંત્રી” તરીકે નવાજ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો.કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની કામગીરીથી પ્રભાવિત થઈને સમગ્ર દેશમાં ગૌસેવાની પ્રવૃતિનો વ્યાપ વધે તે માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવી રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ ચેરમેન પદે ડો. કથીરિયાને નિયુક્ત કર્યા હતા. આજે સમગ્ર દેશમાં ગૌસેવાના આદર્શ મોડેલ પ્રસ્થાપિત થાય તે માટે ડો. કથીરિયા ગૌઉપાસના, ગૌરક્ષા, ગૌસંવર્ધન ગૌપાલન, અને ગૌ આધારિત કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને ગ્રામ્ય વિકાસ દવારા સ્વાવલંબી અને સંસ્કારી સમાજ રચનામાં અબાલ-વૃધ્ધ અને ગરીબોથી તવંગર સુધી સૌ કોઈ ગાયની સમજ કેળવે તે અર્થ સતત કાર્યરત રહી, આમુલ પરિવર્તન માટે સમગ્ર દેશમાં ગૌસેવાનું વાતાવરણ નિર્માણ થાય તે માટે અનેક રાજ્યોનો પ્રવાસ કરી માર્ગદર્શન આપી રહયા છે. તાજેતરમાં દેશ – વિશ્વમાં પ્રથમ એવો ગૌ આધારિત ઉત્પાદનોનો ઔદ્યોગિક મેળો “Gau Tech- 2023” રાજકોટમાં આયોજીત કરી સમગ્ર દેશ – દુનિયાનું ગૌ ઉદ્યમિતા અને ગૌ આધારિત અર્થતંત્ર પર ધ્યાન દોર્યું છે. અનેક નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યમો સાથે યુવા – મહિલા, ગૌશાળાઓ ગૌમુત્ર, ગોબર અને ગૌ આધારિત અન્ય ઉત્પાદનો દ્વારા આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે નવો રાહ ચિંધ્યો છે.
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓ ડો. કથીરિયાના કેન્દ્રસ્થાને રહી છે. દેશભરના સાધુ – સંતો, મહાત્માઓ અને વિવિધ સંપ્રદાયોના વડાઓના આશીર્વાદ સાથે ધર્મમય જીવન દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ અર્થે ડો. કથીરિયા “વિપશ્યના”ના સાધના દ્વારા આત્મકલ્યાણના માર્ગે આગળ વધી રહ્યા છે. ડો. કથીરિયાને જન્મદિને સ્નેહી-સંબધી, મિત્ર-તબીબી વર્તુળ, ભાજપા અને સંઘ પરિવાર તેમજ વિશાળ શુભેચ્છક સમુદાય તરફથી તેમના મો.૯૦૯૯૩૭૭૫૭૭ પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
