દરરોજ એસટી બસ મોડી આવવાથી વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચતા હોવાની રાવ
મોરબીના પંચાસર ગામે આજે બસની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન ચલાવ્યુ છે. ગ્રામજનોને સાથે રાખીને વિદ્યાર્થીઓએ બે બસો અટકાવી હતી. જો કે એમ છતાં એસટી વીભાગ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર તેઓએ મોરબીમાં શાળા ખાતે સવારે 7:15 એ પહોંચવાનું હોય છે. દરરોજ વિદ્યાર્થીઓ સવારે 6:30 વાગ્યે ઉભા રહે છે. પણ બસ 7 વાગ્યે આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ 7:30 વાગ્યે શાળાએ પહોંચે છે. હવે તો શાળાએ પણ એવું કહી દીધું છે કે પંચાસર ગામ નજીક હોવા છતાં ત્યાંના વિદ્યાર્થીઓ મોડા આવે છે.જેથી આ ગામના વિદ્યાર્થીઓ શિસ્ત ન જાળવતા હોવાથી નવા એડમિશન આપવા નથી. વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર આજે બસ ન આવતા ડેપોમાં ફોન કર્યો હતો. ત્યાંથી એવું કહેવામાં આવ્યુ હતું કે બસ આજે નહિ આવે. જેથી વિદ્યાર્થીઓએ અહીંથી પસાર થતી બે બસો રોકી દીધી છે હવે જ્યાં સુધી મોરબીની બસ નહિ આવે ત્યાં સુધી આ બસને જવા દેવામાં નહિ આવે.
