મોરબીમાં SITએ ઉદ્યોગકારોના ફસાયેલા 19 કરોડ જેટલા નાણાં પરત અપાવ્યા છે. હજુ પણ આ કામગીરીને ઝડપી બનાવવા માટે SITમાં બે પીઆઈને મુકવામા આવશે. તેમ ઉદ્યોગકારો સાથેની બેઠકમાં રેન્જ આઈજીએ જણાવ્યું હતું.
મોરબી એસપી કચેરી ખાતે રેન્જ આઈજી અશોક યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સિરામિક, પેપરમિલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં રેન્જ આઈજી દ્વારા ઉદ્યોગકારોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી.
આ બેઠક મામલે રેન્જ આઈજીએ જણાવ્યું કે સરકાર દ્વારા ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત અપાવવા માટે એક વર્ષ પૂર્વે SITની રચના કરવામાં આવી હતી. તેની કામગીરીની આજે સમીક્ષા કરવામાં આવી છે. એક વર્ષમાં SITએ ઉદ્યોગકારોના ફસાયેલા રૂ.38 કરોડમાંથી રૂ.19 કરોડ પરત અપાવ્યા છે. બીજા રાજ્યમાં ફસાયેલા નાણાં પરત મેળવવા SITમાં વધુ બે પીઆઇ મુકવામાં આવશે. ઉપરાંત એસપી દરરોજ SITની કામગીરીની સમીક્ષા કરશે. આજની બેઠકમાં ટ્રાફિક, લોન, વ્યાજખોરી સહિતના મુદ્દે ચર્ચા થઈ છે. ઉદ્યોગકારોને કોઈ પણ કનડગત નથી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે તેવું તેઓએ જણાવ્યું છે.
