રેન્જ આઈજી સાથેની બેઠકમાં ઉદ્યોગકારોનો નિર્ણય : સિરામિક એસો. તમામ ઉદ્યોગકારોને પત્ર લખી જાણ કરશે
મોરબીમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે સાંજે 6થી 8 દરમિયાન ઉદ્યોગોમાંથી ટ્રકોને છોડવામાં ન આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અમલવારી કરવા માટે સિરામિક એસો. તમામ ઉદ્યોગોને પત્ર પણ લખશે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો, સોલ્ટ ઉદ્યોગકારો, પેપર મિલ ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટ એસો.ના હોદ્દેદારો સાથે રેન્જ આઈજી અશોક યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્યોગકારોએ ટ્રાફિક પ્રશ્ને રજુઆત કરી હતી. જેમાં ઉદ્યોગકારોએ જણાવ્યુ કે સાંજે 6થી 8 દરમિયાન ટીંબડી પાટિયાથી ઢૂંવા સુધી ટ્રાફિક જામ રહે છે. સાથે સિટીમાં પણ ભરચક ટ્રાફિક રહે છે.

રેન્જ આઈજીએ જણાવ્યું કે ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ વિભાગ શક્ય તેટલા પ્રયાસ કરી રહ્યું છે. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટ્રાફિક હળવું કરવા સાંજે 6થી 8 દરમિયાન રોડ ઉપર ટ્રકોની હેરફેર શક્ય બને તેટલી ઘટાડવામાં આવશે. સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે સાંજે 6થી 8 દરમિયાન ટ્રકોના લોડીંગ- અનલોડીંગ પછી ટ્રકોને ફેકટરી બહાર છોડવામાં ન આવે તેવી તમામ ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવશે. આ માટે એસોસિએશન તમામ ઉદ્યોગકારોને પત્ર લખશે.
