મોરબીમાં તાજેતરમાં આવેલા રેન્જ આઈજી સમક્ષ લોકોએ આડેધડ ચાલતા ભારે વાહનો સામે કાર્યવાહી ન થતી હોય આ ડમ્પર સહિતના ભારે વાહનો ઘણીવાર જોખમી સાબિત થતા હોય અને નંબર પ્લેટ વગર દોડતા ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે આજે સ્થાનિક પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને બેફામ ગતિએ દોડતા વાહનો ઉપર લગામ કસી હતી. જેમાં પોલીસે બે કલાકમાં મોરબી શહેર અને હાઇવે ઉપર 400થી વધુ વાહનોનું સઘન ચેકિંગ કરી નિયમોની પરવા ન કરતા ભારે વાહન ચાલકો ઉપર પોલીસ તૂટી પડી હતી. જેમાંપોલીસે 450 ભારે વાહનોનું ચેકીંગ કરી 13 વાહનો ડિટેઇન કર્યા અને નંબર પ્લેટ વગરના 40 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

મોરબી પોલીસ દ્વારા અલગ-અલગ નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર બેફામ ગતિએ દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ આદરી હતી. જેમાં થોડા સમયમાં જ કુલ 450 ભારે વાહનો ચેક કરવામાં આવતા નંબર પ્લેટ વગરના 13 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.સાથે જ રોન્ગ સાઈડ અને પુરપાટ ઝડપે વાહન ચલાવનારા 18 વાહન ચાલકો સામે ફોજદારી ગુન્હો દાખલ કરી, લાયસન્સ અને વાહનના ડોક્યુમેન્ટ સાથે નહિ રાખનારા 53 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફેન્સી અને તૂટેલી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ વગરના અન્ય 40 વાહનો પણ પોલીસની ઝપટે ચડ્યા હતા અને કુલ મળી 62,300નો દંડ વસુલ કરી તાલપત્રી વગરના 12 વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરી પોલીસ તંત્રએ સાબિત કર્યું હતું કે, ઉચ્ચ સ્તરેથી આદેશ છૂટે તો તે તમામ નિયમોનું પાલન કરવા સક્ષમ છે.
