
મોરબી: ગુજરાતમાં 156 બેઠકો પર ભાજપના ભવ્ય વિજયના શિલ્પી અને રાજય ભાજપના સંગઠનને ‘તાકાત’ બનાવનાર પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઈકાલે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી અશ્વીની વૈષ્ણવ, હરદીપસિંહ પુરી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજકોટ સાસંદ પરસોત્તમભાઈ રૂપાલા, પોરબંદર સાસંદ મનસુખભાઈ માંડવીયા, જામનગર સાસંદ પૂનમબેન માડમ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટીલના નિવાસે ખુબજ એક પારિવારિક પ્રસંગ જેવી ઉષ્મા અને આનંદની પળો સર્જતું આ આયોજન બની રહ્યું હતું. સી.આર.પાટીલનો પુરો પરિવાર યજમાનની ભૂમિકામાં હતો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતા જ પુરા પાટીલ પરિવારે તેમનું સ્વાગત કર્યુ અને પાટીલના પુત્ર તથા પુત્રવધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મગર પર સવાર લક્ષ્મી માતાની મૂર્તિ ભેટમાં આપી હતી. આ એક શાંતિ-સમૃદ્ધિ તથા પ્રગતિનું પ્રતિક છે. અમિત શાહ તથા જે.પી.નડ્ડા પહોંચતા સી.આર.પાટીલે તેમનું પણ સ્વાગત કર્યુ હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોનું પણ પાટીલ રૂબરૂ સ્વાગત કરી દરેક સાંસદ-ધારાસભ્યોને તેઓ મળવા પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાસંદ પુરૂષોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાએ એક જ ટેબલ પર બેસી ભોજનની મોજ માણ્યું હતું. ભોજન પુરુ ગુજરાતી સ્ટાઈલનું અને સુરતની વાનગીઓની વિષમતા સાથે હતું. તેમજ તમામ તમામ સાસંદ- ધારાસભ્ય અને ભાજપ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટા પડાવ્યા હતા.

દિલ્હી ખાતે કેન્દ્રિય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નવા બંગલા ખાતે નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં મોરબી-કચ્છ સાસંદ વિનોદભાઈ ચાવડા, સુરેન્દ્રનગર સાસંદ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની પીઠ ધાબડતા જોવા મળ્યા હતા. તેમજ સાસંદ વિનોદભાઈ ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. તે વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સાસંદ વિનોદભાઈ વચ્ચે ચહેરા પર સ્મિત સાથેની તસ્વીર તમે જોઈ શકો છો.


