મોરબીમાં લીલાપર રોડ ઉપર રોડનું કામ નબળું થઈ રહ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. આ સાથે જો રોડનું કામ ઝડપભેર સારી રીતે નહીં થાય તો એજન્સીએ કરેલા કામની માહિતી એકત્ર કરી ફરિયાદ કરવાની કરણી સેનાના અગ્રણીએ ચીમકી ઉચ્ચારી છે.
કરણી સેનાના મોરબી તાલુકા પ્રમુખ રવિરાજસિંહ.બી.જાડેજાના જણાવ્યા અનુસાર લીલાપર રોડ પર આવેલા વિદ્યુત સ્મશાનથી લીલાપર ચોકડી સુધીના રોડનું પેચ વર્કનું કામ નબળું થઈ રહ્યું છે. જાગૃત નાગરિક તરીકે કામમાં સાધન સામગ્રી પૂરી લઈને આવો અને સંતોષકારક કામ કરી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ આજે 15 દિવસ થઈ ગયા છે હજુ કોઈ પણ જાતનું કામ થયું નથી. ત્યાં ખાડા અને માટીના ઢગલા એમ નામ મૂકીને જતા રહ્યા છે. ત્યારે તંત્ર કેમ કોઈ કાર્યવાહી કરતું નથી એ મોટો સવાલ છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે અધિકારીઓ વ્યવસ્થિત કામ થાય તેના માટે પ્રયત્નશીલ છે અને મહેનત પણ કરે છે પરંતું ક્યાંકને ક્યાંક આવી એજન્સી જાણે કે લોકોની સુખાકારી નહીં પણ પોતાની તિજોરી ભરવામાં જ રસ ધરાવતી હોય એવું લાગી રહ્યું છે અને અધિકારીઓ ના કહેવા છતાં એજન્સી સરખું કામ નથી. જો ઝડપથી આ પેચ વર્ક નું કામ કરવામાં નહીં આવે તો એ એજન્સીના જ્યાં જ્યાં કામ કરેલા છે તે તમામ માહિતી એકત્ર કરી અને એના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવશે.