Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિ; ખેડુતોને...

મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિ; ખેડુતોને આપ્યું માર્ગદર્શન

મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોર ખીજડીયા ખાતે યોજાઈ રહેલા રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

રવિ કૃષિ મહોત્સવના પ્રસંગે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. આ ક્રાંતિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગરીબો અને વંચિતો સુધી પહોંચી છે, જેથી તેમનું જીવન ધોરણ ઊંચુ આવ્યું છે. કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા તે થકી ખેડૂતો આધુનિક કૃષિ પદ્ધતિ તરફ વળ્યા છે. કૃષિ ક્ષેત્રની આ ક્રાંતિ નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી અંત્યોદય સુધી પહોંચી છે. સરકારની યોજનાઓ તથા સહાય થકી ખેડૂતો સમૃદ્ધ બન્યા છે, આજે લગભગ ખેડૂતોના ઘરે ટ્રેકટર જેવા આધુનિક કૃષિ સંસાધનો ઉપ્લબ્ધ છે. સોઇલ હેલ્થ કાર્ડની મદદથી ખેડૂત તેમની જમીન અનુસાર પાકની પસંદગી કરી શકે છે તો આજે સરકાર પશુઓના પણ મોતિયા ઉતારવા સક્ષમ બની છે.

ખેડૂત વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કણમાંથી મણ ઉત્પન્ન કરનાર ખેડૂત એ માત્ર વ્યક્તિ નહીં પરંતુ જીવન જીવવાની આદર્શ પદ્ધતિ છે. ખેડૂત પરિશ્રમ પ્રેમ દયા કરુણા માનવતા અને આત્મીયતાની અણમોલ મૂર્તિ છે. મૃત્યુ સુધી પોતાના પશુઓની પરિવારની જેમ સંભાળ રાખે છે અને પશુઓના મૃત્યુ પર લાગણીશીલ બને એ છે ખેડૂત. આપણા વડીલોએ આપણને ભવ્ય વારસો અને મહાન સંસ્કૃતિ આપી છે, ગામડાઓમાં ખેડૂતોએ હજી એ સંસ્કૃતિ સાચવી રાખી છે. આ ભવ્ય વારસો આપણે જાળવી રાખવાનો છે જે માટે જરૂરી છે કે આપણે સૌ એક બની અને આ માનવતાના મૂલ્યોને ઉજાગર કરીએ.

જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને મહત્વ આપી ખેડૂતોને તે તરફ વાળવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજી તે તરફ વળી પણ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત ખેતી ક્ષેત્રે આજે અગ્રેસર બન્યું છે અને અહીંના ગુણવત્તાસભર પાકની બજારમાં પણ એટલી જ માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં પણ ગુજરાત અગ્રેસર બન્યું છે. ૨૦૪૭ માં વિકસિત ભારત બનાવવા માટે ખેડૂતોની ભૂમિકા ખૂબ મહત્વની છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ખેડૂતોના કલ્યાણ માટે હંમેશા તત્પર છે. ખેડૂતલક્ષી અનેક અભિગમ અને કાર્યક્રમોના ભાગરૂપે હાલ સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ યોજાઇ રહ્યો છે. ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર પણ સતત પ્રયત્નશીલ છે.

મંત્રીના હસ્તે ખેડૂતોને અંદાજિત ૭ લાખની સહાય વિવિધ યોજનાઓ અંતર્ગત અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ખેડૂતોને માર્ગદર્શન આપવા હેતુ વિવિધ વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા પ્રદર્શન અને સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અગ્રણીશ્રી રણછોડભાઈ દલવાડી તથા કે.એસ. અમૃતિયા, હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાંતો તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments