મોરબી શહેરના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે આમરણથી મોરબીના મહેન્દ્રનગરમાં પ્રસંગમાં આવી રહેલા પરિવારની કાર પાછળ ત્રણ શખ્સોએ કાર અથડાવી ઝઘડો કરી કારના કાચ ફોડી નાખવાની સાથે કાર ચાલકના સંબંધીને જાનથી મારી નાખવા ધમકી આપતા અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.5ના રોજ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા બ્રિજેશભાઈ દુર્લભજીભાઈ જાકાસણીયા નામના યુવાનના ભાઈના સાળા ગૌતમભાઈ લિખિયા પોતાની વેન્ટો કાર લઈને પરિવાર સાથે આમરણથી મોરબીના મહેન્દ્રનગર ખાતે પ્રસંગમાં જતા હતા ત્યારે નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે સફારી કારના ચાલકે પાછળથી વેન્ટો કાર સાથે પોતાની કાર અથડાવી ઝઘડો કરતા ગૌતમભાઈએ ફોન કરી ફરિયાદી બ્રિજેશભાઈને બોલાવ્યા હતા. આ વેળાએ સફારી કારમાં રહેલા ત્રણ શખ્સોએ ઝઘડો કરી વેન્ટો કારના કાચ તોડી નાખી બ્રિજેશભાઈને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.