
તોડ કરનાર તત્કાલીન ટંકારાના પીઆઈ અને હેડ કોસ્ટેબલ સામે ગુન્હો નોંધાયો
મોરબી-રાજકોટ હાઇવે પર લજાઈ ગામ નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટ માં હાઇ પ્રોફાયલ જુગારધામ ઝડપાયા બાદ અનેક વિગતો બહાર આવી છે. રિસોર્ટમાં જુગારધામ પકડાયા બાદ મોરબી ડેઇલી એ એક સમાચાર પ્રસારિત કરી ને કહ્યું હતું કે આ પ્રકરણમાં જુગારનો આંકડો અને આરોપીઓ છુપાવવામાં આવ્યા છે. પ્રથમ આરોપી છુપાવવામાં આવ્યા હોવાના સમાચાર ને મોહર લાગી ચુકી છે હવે આ પ્રકરણમાં 51 લાખ રૂપિયાનો તોડ થયાની પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા જુગાર પ્રકરણમાં મોટો તોડ થયાના મોરબી ડેઇલી ના સમાચાર ને મહોર લાગી ગઈ છે.

ગત તા. 26 ઓક્ટોબરના રોજ મોરબી રાજકોટ હાઈ વે ઉપર કમ્ફર્ટ રીસોર્ટમાં દરોડો પાડી ટંકારા પીઆઇ વાય કે. ગોહિલ અને તેમની ટીમે જુગારના હાઈ પ્રોફાઈલ કેસમાં આરોપી તીર્થ અશોકભાઇ ફળદુ, નિતેષભાઈ ઉર્ફે નિતીન ભાઈ નારણભાઈ ઝાલરીયા, ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ, વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, રઘુવિરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા, કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, ગોપાલ રણછોડભાઈ સભાડ તથા ચિરાગ રસીકભાઈ ધામેચા વિરુદ્ધ ટોકન ઉપર જુગાર રમવા મામલે કેસ કરી 12 લાખની રોકડ તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જુગાર પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ ના ફોટા સાથે સમાચાર પ્રસારિત થતા મોરબી ડેઇલી ને જાણવા મળ્યું હતું કે, પોલીસે રવિ પટેલ નામના આરોપી નું નામ દર્શાવ્યું છે તે હકીકતમાં તીર્થ ફળદુ હતું. આ સમાચાર બાદ તિર્થ ફળદુ પર ઓળખ છુપાવવા અંગેની કલમ ગુન્હામાં ઉમેરવામાં આવી હતી. એટલે મોરબી ડેઇલી દ્વારા પ્રસારિત કરેલ સમાચારને સમર્થન મળ્યું હતું કે, આ પ્રકરણમાં આરોપીઓ છુપાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર જુગાર પ્રકરણ ની જાણ રાજ્યના પોલીસવડા સુધી પહોંચતા સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવતા SMC ના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટિમ તપાસ માટે આવ્યા હતા અને અનેક લોકોના નિવેદનો નોંધ્યાં હતા. બાદમાં પી. આઇ. વાય.કે.ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને એસએમસીની તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે એસએમસી પીઆઇ આર.જી.ખાટ દ્વારા તત્કાલીન ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ પોતે રાજ્ય સેવકો હોવા છતાં, કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરી, પંચનામા-ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી, ઉભા કરી, તે પુરાવાઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ હોવાનું પોતે જાણતાં હોવા છતાં કોર્ટમાં મોકલી આપી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ગુના હિત કૃત્ય કરવાના હેતુથી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી, ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપીઓ પાસેથી અને અધિકૃત રીતે લાંચની માંગણી કરી, સાહેદો મારફતે રાજ્ય સેવક તરીકે પ્રથમ રોકડા રૂપિયા 12 લાખ વિમલભાઈ પારદરીયાના મિત્ર સુમીત અકબરી મારફતે રાજકોટથી મંગાવી જુગારની રેઈડમાં બતાવી અને ત્યારબાદ રોકડા રૂપિયા 41 લાખ રોકડા તથા 10 લાખ રૂપિયા રોકડા ન્યુઝ-મિડીયા આવે તે પહેલાં જામીન ઉપર મુક્ત કરી દેવા, ન્યૂઝ પેપર કે સોશ્યલ મિડીયામાં ફોટો નહીં આપવા તેમજ ભળતાં-ખોટા નામો આપવા, પંચનામા ફરી યાદમાં ખોટુ નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરૂરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વગેરે હેતુ માટે ખોટી રીતે બળજબરીથી કઢાવી લઈ, પોતે રાજ્ય સેવકો હોવા છતાં સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના તાબા હેઠળના નીચલા વર્ગના કર્મચારીઓને ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડી, ગેરકાયદેસર રીતે જાતે અને અન્ય મારફતે પોતાના કાયદેસરના મહેનતાણા સિવાય રૂપિયા 51 લાખ જેવી માતબર રકમની લાંચની માંગણી કરી-સ્વીકારવા મામલે અલગ અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

આ ગુન્હાની તપાસ હવે લીમડીના ડીવાયએસપી ને સોંપવામાં આવી છે. ટંકારા પોલીસ દ્વારા ગુજારધામ પર રેડ કરી ને જુગારીઓ ને ઝડપી લેતા મોરબી ડેઇલી દ્વારા તેમની સરાહના કરવામાં આવી હતી કે આટલી મોટી રેડ કરી અને આરોપીઓ વગદાર હોવા છતાં તેમની સામે ગુન્હો દાખલ કર્યું. પરંતુ જેવું અમારા ધ્યાન પર આવ્યું કે આ પ્રકરણમાં આરોપીઓ અને જુગારનો આંકડો છુપાવવામાં આવ્યો છે એટલે અમે તે સમાચાર પણ લખ્યા હતા. અમારા દ્વારા લખવામાં આવેલ સમાચાર ને હવે સમર્થન પણ મળી ગયું છે કે આ પ્રકરણમાં આરોપીઓ અને આંકડો છુપાવવામાં આવ્યો હતો.
