કિન્નર બની પૈસા માંગતા પુરૂષને ખેતરમાં લઈ જઈ બે શખ્સોએ બીભત્સ માંગણી કરી, તાબે ન થતા હત્યા કરી, મોરબી તાલુકા પોલીસે બે શખ્સોને પકડી પાયા
મોરબી : મોરબીના અણિયારી નજીક ચારેક મહિના પૂર્વે એક હાડપિંજર મળ્યાના બનાવમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેમાં કિન્નર બનીને પૈસા માંગતા એક પુરુષ સમક્ષ બે શખ્સોએ બીભત્સ માંગણી કરી હતી. જો કે આ પુરુષ તાબે ન થતા બે શખ્સોએ તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૨પ ઓગસ્ટના રોજ માળીયા અમદાવાદ હાઇવે પાસેના અણીયારી ગામની સીમમાથી એક હાડપિંજર મળી આવ્યું હતું. આ હાડપિંજર કોઈ સ્ત્રી અથવા કિન્નરનું હોવાનું માની મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક પુરુષ હોય અને તેનું નામ સંજયભાઈ મોહનભાઈ મહવઈ રહે. દદુકા- રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે તેના પરીવારનો સંપર્ક કરતા પત્નીની ફરિયાદના આધારે તા. 12 નવેમ્બરના રોજ ગુનો દાખલ કર્યો હતો.
બાદમાં તાલુકા પોલીસની ટીમે ગંભીર રીતે તપાસ હાથ ધરતા રવિભાઈ દેવજીભાઈ ગાબુ રહે.ઓળક તા.લખતર અને સુરેશભાઈ બબાભાઈ ગૌરૈયા રહે. ઢાંકી તા.લખતર શંકાસ્પદ લાગતા તેમને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરી હતી.
આ દરમિયાન બન્ને શખ્સોએ કબૂલાત આપી કે મૃતક સંજયભાઈ મોહનભાઈ મહવઈ માળીયાથી હળવદ જતા હાઇવે ઉપર અણીયારી ગામની સીમ પાસે જીવલી કિન્નરનો વેશ ધારણ કરી પૈસા માંગતા હતા. ત્યારે આરોપીઓએ મૃતકને હળવદ તરફ ખેતરમાં લઈ જઈ બિભત્સ માંગણી કરી હતી. જે દરમિયાન બોલાચાલી અને ઝઘડો થતા બન્ને શખ્સોએ મૃતકના પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
આ કામગીરીમાં પીઆઇ એન.આર. મકવાણા, પોલીસ સબ ઈન્સપેકટર બી.ડી.ભટ્ટ, પોલીસ સબ ઈન્સપેકટર ડી.ડી.જોગેલા, હે.કો. મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ, હે.કો. ચંન્દ્રસિંહ કનુભા, કોન્સ. રમેશભાઈ રાજાભાઈ, ધર્મેન્દ્રસિંહ જદુવીરસિંહ રોકાયેલ હતા.