મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં જૂથવાદ વકરે તેવી પરિસ્થિતિ સામે આવી છે. જેમાં જિલ્લા પંચાયતના એક કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરીયાને બાકાત કરતા વિવાદ થયો છે અને અજય લોરીયાએ તાકીદે પ્રેસ કોંફરન્સ બોલાવી ધારાસભ્ય પર કિન્નખોરીનો આક્ષેપ કર્યો છે.
મોરબી જીલ્લા પંચાયતના કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના ચેરમેન અજયભાઈ લોરીયાનું નામ કપાતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર કિનાખોરીનો આક્ષેપ કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા માળિયા વનાળીયા સોસાયટીમાં વિકાસના કામનું ખાર્ત મુર્હતનો કાર્યક્રમ હોય એ કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં સિંચાઈ વિભાગના ચેરમેન અજયભાઈ લોરિયાનું નામ કપાતા તેમણે તાકીદે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.
અજયભાઈ લોરીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 30 વર્ષથી ધારાસભ્ય હોઈ તેમ છતાં મોરબીમાં કોઈ કામ ન કરતા મોરબીની સ્થિતિ કથળી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમજ જીલ્લા પંચાયતમાં જૂથ વાદ ચાલતો હોવાથી નામ કપાયાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ શાસિત જીલ્લા પંચાયતમાં ઘણા સમયથી ચાલી રહેલો જુથવાદ સપાટી ઉપર આવ્યો છે. જૂથવાદ મામલે પ્રદેશ સંગઠનમાં અને સ્થાનિક આગેવાનોને રજુઆત કરવામાં આવી છે. અજય લોરીયાએ પહેલાં ભૂલથી નામ કપાયું હોવાનું કહી ધારાસભ્ય ઉપર તૂટી પડ્યા હતા.
તેઓએ એમ પણ કહ્યું હતું કે તેમના પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મંડપવાળાને કાંતિભાઈએ ફોન કરીને કામ રોકી દેવા કહ્યું હોય એના પુરાવાનું રેકોડીગ હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ તેઓ સમાજ હિત માટે કાર્યો કરતા હોય એમાં હવનમાં હાડકા નાખે છે. તે ઉપરાંત 30 વર્ષથી ધારાસભ્ય હોય છતાં મોરબીની આવી ખરાબ દશા હોય તે બાબત મોરબી માટે દુઃખદાયી ગણાવી હતી. ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વચ્ચે આંતરિક લડાઈ ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે આજે જે રીતે અજય લોરીયાએ મીડિયા સામે આવીને ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપર માછલાં ધોયા તે જોતા આગામી સમયમાં ભાજપમાં સખળ ડખળ વધે તેવી શકયતા છે.
