મોરબી – કંડલા બાયપાસ ઉપર સિનેમાઘરમાં પુષ્પા -2 ફિલ્મ જોવા જઈ રહેલા મોરબીના દંપતીને કાર ચાલકે સિનેમા સામે જ હડફેટે લઈ લેતા પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ નિપજતા દંપતી ખંડિત થયું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે કેનાલ પાસે ગાયત્રીનગરમા રહેતા અને કિશન હેર સલૂન નામની દુકાન ધરાવતા કિશનભાઈ હરીશભાઈ માવદીયા અને તેમના પત્ની ચાંદનીબેન પોતાનું બાઈક લઈને ગઈકાલે બપોરના શોમા પુષ્પા -2 ફિલ્મ જોવા કંડલા બાયપાસ ઉપર આવેલ નેક્સેસ સિનેમા ખાતે જતા હતા ત્યારે નેક્સેસ સિનેમા સામે રોડની કટ્ટમાંથી સિનેમા તરફ જવા માટે નીકળતા જ આરટીઓ કચેરી તરફથી આવતી જીજે – 13 – એએમ – 5897 નંબરની કારના ચાલકે બાઇકને હડફેટે લેતા કિશનભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ચાંદનીબેનને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ નિમિશભાઈ માવદીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.