મોરબી સિટી બી ડિવિઝન પોલીસની સી ટીમને ગુમ થયેલું બાળક મળી આવ્યું હતું. આ બાળકનું ટૂંકા સમય ગાળામાં માતાપિતા સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
સમગ્ર વિગત અનુસાર, આજરોજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વાન મોરબી પાડા પુલ નીચે ભરાતી રવીવારી માર્કેટમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન વાલીવારસ વગરનું આશરે 3 વર્ષનું બાળક મળી આવ્યું હતું. આ દરમ્યાન બાળકને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું. જેમાં સી ટીમના સ્ટાફે બાળક હિન્દી બોલતું હોય ત્યારે બાળકની કાલીઘેલી ભાષા સમજવાનો પ્રયત્ન કરી બાળકને સાથે રાખી વાલીને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં મોરબી જેતપર રોડ ઉપર મજૂરી કામ ક૨તા બાળકના વાલી ભરમુ ધુમસિંહ રાણા (રહે. અમુલ કારખાના પાવડિયાર કેનાલ પાસે, મોરબી) વાળાને શોધી ખાત્રી કરી બાળકને તેના માતાપિતાને સોંપવામાં આવ્યું હતું.
