ટંકારાની શાક માર્કેટમાં ફ્રુટનો વેપાર કરવાની સાથે એક શખ્સ નશાનો કારોબાર કરી ગાંજો વેચતો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે ભરચકક માર્કેટમાં દરોડો પાડી ફ્રુટના વેપારીને ગાંજા સાથે પકડી લઈ આરોપીના ઘેરથી પણ ગાંજાનો જથ્થો પકડી પાડી કુલ 1.435 કિલોગ્રામ ગાંજો કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને ટંકારા શાક માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરતો આરોપી હુસેન ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી રહે.મેમણશેરી, ટંકારા વાળો ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા ગઈકાલે સવારે 11 વાગ્યે ટંકારા શાકમાર્કેટમાં દરોડો પાડતા આરોપીના કોટમાંથી 116 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે બાદ આરોપીની પૂછપરછ કરતા વધુ ગાંજાનો જથ્થો પોતાના ઘેર છુપાવેલ હોવાની કબૂલાત આપતા આરોપી હુસેન ઉર્ફે સબલાના ઘેર દરોડો પાડી તલાશી લેતા વધુ 1 કિલો 319 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે કુલ 1.435 કિલો ગાંજો, એક વજન કાંટો, 30 હજારનો મોબાઈલ ફોન, બે હજાર રોકડા સહિત કુલ રૂપિયા 46,850નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
