પક્ષને નુકસાન થાય તેવું કૃત્ય ગણાવીને પગલાં કેમ ન લેવા તે બાબતે 15 દિવસમાં ખુલાસો મંગાયો
મોરબી : જિલ્લા પંચાયતના કાર્યક્રમમાં બાદબાકી મુદ્દે શાબ્દિક યુદ્ધ જામ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અજય લોરીયાને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જેને લઈને ફરી રાજકારણ ગરમાયુ છે.
મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયાની બાદબાકી કરવામાં આવી હતી. જે મુદ્દે તેઓએ પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સામે શાબ્દિક યુદ્ધ છેડયું હતું. બાદમાં ધારાસભ્ય કાંતિલાલે પણ વળતા જવાબો આપ્યા હતા. ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ ખૂલીને બહાર આવ્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષને નુકશાન થાય તેવું કૃત્ય ગણાવી ચેરમેન અજય લોરીયાને કારણદર્શક નોટિસ આપી છે. અને પગલાં કેમ ન લેવા તેના માટેનો 15 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું કે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ છે. જેથી ચેરમેનને નોટિસ આપી 15 દિવસમાં લેખિત ખુલાસો કરવાનું જણાવાયુ છે. બીજી તરફ ચેરમેન અજય લોરીયાએ જણાવ્યું કે રાજકીય મામલો નથી. હું પાર્ટીને સદાય વફાદાર જ છું. પાર્ટી વિરુદ્ધ મે ક્યારેય કામ કર્યું નથી. જે મામલો છે એ પર્સનલ છે. હું ફરજના ભાગરૂપે પાર્ટીને જવાબ આપી દઈશ.
