સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ વલસાડ જિલ્લા પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશનમાં આવ્યા હતા. તેઓએ વલસાડ જિલ્લા પોલીસ બેડાની કામગીરીની સમીક્ષા કરી હતી.બાદમાં પરેડ યોજી હતી. વલસાડ એસપીના લોકો પાસે ભરપેટ વખાણ સાંભળી રેન્જ આઈજી અચંબામાં પડી ગયા હતા.

રેન્જ આઈ જીની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં રીક્ષા ચાલકથી માંડીને મોટા મોટા અગ્રણીઓ વલસાડ એસપી ડો. કરણરાજ વાઘેલાની કામગીરી બાબતે ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, લોકો પાસેથી જનરલી પોલીસની ફરિયાદો મળતી હોય છે. પણ વલસાડમાં ઉલટી ગંગા વહી હતી. વલસાડની પ્રજાએ એસપી ડો. કરણરાજ વાઘેલાના ભરપેટ વખાણ કર્યા હતા અને સામાન્ય માણસોએ ગુનાખોરી પર અંકુશ મેળવવા બદલ એસપીનું સન્માન કરવાનું કહ્યું હતું.રેન્જ આઈજીએ આ સાંભળીને વલસાડ પોલીસ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી તેમજ ત્રણેક ચકચારી મોટા કેસો ઉકેલવા બદલ તેઓ એસપી કરણરાજ વાઘેલાને અભિનંદન પાઠવ્યા હતા. વલસાડમાં એસપી કરણરાજ વાઘેલાએ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા રેન્જ આઈજી પણ પ્રભાવિત થયા હતા અને વલસાડ પોલીસ પ્રત્યે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

