મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને અમદાવાદ રહેતા તાંત્રિક ભુવા નવલસિંહે તેની પ્રેમિકા નગમાની લાશના કટકા કરી વાંકાનેરના ધમલપર ગામ નજીક લાશને દાટી દેવાના કિસ્સામાં વાંકાનેર પોલીસે મદદ કરનાર તાંત્રિકની પત્ની અને ભાણેજની ધરપકડ કરી છે.
તાંત્રિક વિધિના નામે લોકોને સોડિયમ નાઈટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને અમદાવાદમાં રહેતા નવલસિંહ કનુભાઈ ચાવડા નામના કહેવાતા ભુવાએ તેની પ્રેમિકા નગ્માની હત્યા કરી હતી. નગમાને મૃતક ભુવા નવલસિંહ સાથે પ્રેમ હોય લગ્ન કરવા દબાણ કરતી હોય પરંતુ ભુવો લગ્ન કરવા માંગતો ન હોય વઢવાણ ખાતે બોલાવી સોડિયમ નાઈટ્રેટ પાવડર પીવડાવી બેભાન કરી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશના ટુકડા કરી કોથળામા પેક કરી ગાડીમાં વાંકાનેરના ધમલપર ગામે લાવ્યો હતો જ્યાં અગાઉથી ખાડો ખોદાવી રાખ્યો હોય લાશને દાટી દીધી હતી. આ બનાવમાં ભુવાને ત્રણ લોકોએ મદદ કરી હોય ભુવા સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ભુવાના પત્ની સોનલબેન ચાવડા અને ભાણેજ શક્તિરાજ ચાવડાની પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ કસ્ટડી દરમિયાન લોક અપમાં તબિયત લથડતા મુખ્ય આરોપી એવા ભુવા નવલસિંહનું થોડા દિવસ પૂર્વે મોત થયું હતું.
