ડોકટર સાથે ઝઘડો કરતા શખ્સને સમજાવવા જતા ઉશ્કેરાયેલ શખ્સે જાનથી મારી નાખવા ધમકી આપી ગાડીમાં તોડફોડ કરી
મોરબી : ટંકારા તાલુકાના લજાઈ ગામે દવાખાનું ધરાવતા ડોકટર સાથે ઝઘડો કરી રહેલા શખ્સને સમજાવવા જતા વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કરી આ ઝનૂની શખ્સે પાવડાના હાથા વડે માર મારી ડોક્ટરની ગાડીમાં તોડફોડ કરી તમામને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે દવાખાનું ધરાવતા પ્રફુલભાઈ કાનજીભાઈ પરમાર ગઈકાલે દવાખાને બેઠા હતા ત્યારે દવાખાના નજીક રહેતા ફરિયાદી અમૃતભાઈ વાલજીભાઈ કોટડીયા ઉ.63 નામના વૃદ્ધ પણ ડોકટર સાથે બેઠા હતા ત્યારે આરોપી નરેશ જયંતીભાઈ કોટડીયા અચાનક દવાખાનામાં ઘસી આવ્યો હતો અને ડોક્ટરને કહ્યું હતું કે, તું કેમ મોરબીમાં મારી પાછળ આંટાફેરા કરતો હતો. જેથી ફરિયાદી અમૃતભાઈએ આરોપીને ડોકટર સાથે માનથી વાત કરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા નરેશે અમૃતભાઈ ઉપર હુમલો કરી બાદમાં ઘેરથી પાવડાનો હાથો લઈ હુમલો કર્યો હતો. બીજી તરફ અમૃતભાઈને છોડાવવા માટે પુત્ર જયદીપ અને ભત્રીજો જીતેન્દ્ર વચ્ચે પડતા બન્નેને પાવડાના હાથા મારી ડોક્ટરની ગાડીના કાચ તોડી નાખી તમામને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નરેશ જયંતિ કોટડીયા વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.