અમદાવાદના ભુવાએ સાગરીતો સાથે આવી વાંકાનેરના ઘીયાવડ ધમાલ કરી હાડકા ખોખરા કરી નાખ્યા:
મોરબી : અમદાવાદ અને ગોંડલના કમઢીયાળા ગામના ભુવા વચ્ચે ચાલતી તકરારમાં વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના મંદિરના પુજારીએ ગોંડલના ભુવાને સપોર્ટ કરતા અમદાવાદના ભુવાએ વહેલી સવારે ઘીયાવડ આવી પૂજારી અને તેના સેવકોને બેફામ માર મારતા પૂજારી સહિતના લોકોને ફ્રેક્ચર થઈ જતા 22 દિવસ જૂની ઘટનામાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી યશગીરી ભરતગીરી ગૌસ્વામીએ અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા ભલભદ્રસિંહ ઉર્ફે હકુભા પરમાર, ધોરાજીના ધવલ દિપક નિમાવત અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1 ડિસેમ્બરની વહેલી સવારે પાંચ વાગ્યે ત્રણેય આરોપીઓ જીજે – 01 – ડબ્લ્યુઇ – 3111 નંબરની અર્ટિકા કાર લઈને ઘીયાવડ મંદિરે આવ્યા હતા અને કઈ પોતે કઈ સમજે વિચારે એ પહેલાં જ લોખંડના પાઇપ અને ધોકા વડે ત્રણેય શખ્સોએ હુમલો કરતા આ હુમલામાં મંદિરના સેવક આકાશ સતિષચંદ્ર ઓઝા, નવઘણ ભલુભાઈ વિકાણી અને ફરિયાદી યશગીરીને મારતા ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતા સારવાર માટે વાંકાનેર અને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા ભલભદ્રસિંહ અને ગોંડલના કમઢીયાળા મામા સરકારના ભુવા ધવલ પટેલને આંતરિક માથાકૂટ ચાલતી હોય તેમાં ફરિયાદી યશગીરીએ ધવલ પટેલને સપોર્ટ કરતા આ ત્રણેય આરોપીઓએ એ બાબતનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાહેર કરતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે યશગીરી ગૌસ્વામીની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.