મોરબીના સામાકાઠે આવેલ ધરમપુર રોડ ઉપર આજે તંત્ર દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોડને અડીને ખડકાયેલા અંદાજે 22 જેટલા મકાનો અને દુકાનોનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને આ રોડને દબાણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં આ રોડ પહોળો કરવાની કામગીરી સરળતાથી થઈ શકે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા રોડને અડીને ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી કરાઈ.છે. હજુ આગામી દિવસોમાં લખધીરપુર રોડ, ઘૂંટુ રોડ અને લીલાપર રોડ ઉપર ડીમોલેશન થશે.
મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટી સામે રોડને અડીને દબાણ કરનાર આસામીઓને તા. 13ના રોજ નોટિસ આપવામાં આવી હતી. તેઓને 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવાની તાકીદ કરાઈ હતી. પરંતુ દબાણકાંરોએ કોઈ આધારપુરાવા રજુ ન કરતા આજે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 18થી 20 જેટલા પાકા મકાનો તેમજ 4થી 5 ફેબ્રિક્શનથી થયેલા કોમર્શિયલ દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે. વધુમાં આગામી દિવસોમાં પણ આવી જ રીતે લખધીરપુર રોડ, ઘૂંટુ રોડ, લીલાપર રોડ ઉપર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના અધિકારી દિવ્યેશ બાવરવાએ જણાવ્યું હતું.
