મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા નજીક માળીયા મિયાણા તરફથી મોરબી આવી રહેલી કારનો ચાલક ડમ્પરની સાઈડ કાપવા જતા ઠાઠામાં ઘુસી જતા કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા દરબારગઢ પાછળ રહેતા મહમદહનીફ કાદરભાઈ ભટ્ટીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ આરોપી અકબર અબ્બાસભાઈ સંધવાણીની સ્વીફ્ટ કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા ત્યારે મરણ જનાર આરોપી અકબરે પોતાની કાર ફૂલ સ્પીડે ચલાવી ડમ્પર ટ્રક નંબર જીજે – 12 – એવાય – 6444ની સાઈડ કાપવા જતા ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા અકબરને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતમાં ફરિયાદી મહમદહનીફભાઈ તેમજ સાહેદ હુસેનભાઇ રહીમભાઈ મોવરને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.