માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા મહિલા સરપંચના પુત્ર કચ્છ હાઇવે ઉપર આવેલ હોટલના પાર્કિંગના કાર સર્વિસ કરાવતા હતા ત્યારે અચાનક ઘસી આવેલા બે શખ્સોએ ધારીયા અને પાઈપ વડે હુમલો કરી બાદમાં ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામના મહિલા સરપંચના પુત્ર સલીમભાઈ કરીમભાઈ કટિયા ઉ.42 નામના યુવાને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26ના રોજ તેઓ મોરબીથી પરત આવી પોતાની સ્વીફ્ટ કાર કચ્છ હાઈવે ઉપર આવેલ વસિલા હોટલ ખાતે સર્વિસ કરાવવા ઉભા હતા ત્યારે અચાનક આરોપી સાહિલ રણમલભાઈ મોવર અને મોસીન નુરાલીભાઈ મોવર રહે. બન્ને માળીયા મિયાણા વાળા ઘસી આવ્યા હતા. વધુમાં બન્ને આરોપીઓએ ધારીયા અને ધોકા વડે બેફામ માર મારી બાદમાં તેમની સ્વીફ્ટ કારમાં ઘા મારી નુકશાન કરી જાનથી મારી નાખવા વગર વાંકે ધમકી આપી હતી. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.