રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર રમત- ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી-મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ નો શુભારંભ તાજેતરમાં તાલુકા કક્ષાની સ્પર્ધાથી કરવામાં આવ્યો છે.
કલા અને સંસ્કૃત્તિના સુભગ સમન્વય સમાન આયોજીત આ કલા મહાકુંભ કાર્યક્રમ અન્વયે મોરબી અને માળીયા મિયાણા તાલુકામાં રાષ્ટ્રીય શોકના લીધે તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલા તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવું.
જે અનુસાર માળીયા મીયાણા તાલુકામાં આગામી તારીખ ૦૨-૦૧-૨૦૨૫ ના રોજ મોડેલ સ્કુલ– મોટી બરાર તા. માળિયા ખાતે બપોરના ૦૨:૦૦ કલાકે યોજાશે. તેમજ મોરબી તાલુકામાં આગામી તારીખ ૦૩-૦૧-૨૦૨૫ ના રોજ સાર્થક વિદ્યામંદિર- મોરબી ખાતે સવારના ૦૮:૦૦ કલાકે યોજાશે. ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલા સ્પર્ધકોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.