મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુની ત્રણ ઘટનાઓ સામે આવી છે જેમાં જોધપર ગામે કેનાલમાંથી લાશ મળી આવી હતી અને ઢુંવા ગામે શ્રમિકે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વાંકાનેરના ગુંદાખડા ગામે ખેતરેથી પરત ફરી રહેલા ખેડૂતને હાર્ટએટેક આવી જતા ટ્રેકટર ઉપરથી પડી જતા તેમની ઉપર ટ્રેકટર ફરી વળતા મૃત્યુ નીપજ્યું હતું.
અપમૃત્યુની પ્રથમ ઘટનામાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અને ખેતી કરતા પોપટભાઈ વાલજીભાઈ સાપરા ઉ.51 તા.29ના રોજ ખેતરેથી ટ્રેકટર લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં હાર્ટએટેક આવી જતા ટ્રેકટર ઉપરથી પડી જતા ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ શરીર ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના ઢુંવા નજીક આવેલ એડોરેશન સિરામિક ફેકટરીમાં અમરજીત કુમાર ઉ.22 નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં જોધપર નદી ગામે કેનાલમાંથી મૂળ ગોંડલના અને હાલમાં મોરબીમાં કચરો વિણવાનું કામ કરતા દિલીપભાઈ ઈશ્વરભાઈ ઉ.32 નામના યુવાનની લાશ મળી આવી હતી. ત્રણેય ઘટનામાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.