રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 12 IPS અધિકારીઓને DIGથી માંડીને DGPના પ્રમોશન આપ્યા હતા. જેમાં મોરબી એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ વલસાડ એસપી તરીકે ફરજ બજાવતા ડો.કરણરાજ વાઘેલાને પણ સિલેક્ટ ગ્રેડ અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે સુરત સીટી પોલીસ કમિશનર કચેરી ખાતે રેન્જ આઈજી પ્રેમવીર સિંહના હસ્તે ડો.કરણરાજ વાઘેલાને સિલેક્શન ગ્રેડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે વલસાડ એસપી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારા આદરણીય વરિષ્ઠો, સહકર્મીઓ અને પરિવારજનોને હું પોલીસ અધિક્ષક (SP)ના રેન્કથી વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) તરીકે સ્થાનાંતરિત થતાં મારા પર મુકવામાં આવેલા વિશ્વાસ માટે હું ખૂબ જ નમ્ર અને આભારી છું. જ્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મને હંમેશા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, પોલીસવડા વિકાસ સહાય સાહેબ, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, અને મારા માર્ગદર્શક અનુપમસિંહ ગેહલોત સરનો વલસાડમાં મારી પોસ્ટિંગ દરમિયાન સતત સહકાર અને માર્ગદર્શન આપવા બદલ હું હ્રદયપૂર્વકનો આભાર માનું છું. અને હું પ્રામાણિકતા, વ્યાવસાયિક અને કરૂણા સાથે સેવા કરવાનું ચાલું રાખવા માટે પ્રતિબદ્ધ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લા એસપી તરીકે ડો.કરણરાજ વાઘેલાએ કોરોના વખતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. તેમજ હાલ વલસાડ એસપી તરીકે ફરજ બજાવી ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસે જટિલ કેસોને ઉકેલીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ત્યારે તેમની કામગીરીની નોંધ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લઈ વલસાડ જિલ્લા પોલીસની પ્રસંશા કરતી સોશિયલ મિડિયામાં અગાઉ પોસ્ટ મુકી હતી. ત્યારે હંમેશા ફિલ્ડમાં રહેનાર અધિકારી ડો.કરણરાજ વાઘેલાની કામગીરીએ લોકોના દિલ જીતી લીધા છે.

