મોરબી : મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ આજથી પ્રથમ મ્યુનિ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો હતો. એ સાથે જ તેઓ પ્રથમ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી ગંદકી બાબતે એક્શનમાં આવીને વિવિધ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું અને જ્યાં જ્યાં ગંદકી જોવા મળી ત્યાં વેપારીઓ સહિતના જવાબદારોને દંડ ફટકાર્યો હતો.
કમિશનર સ્વપ્નિલ ખરેએ શહેરના વાવડી રોડ સહિતના અનેક વિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. મોરબી ગરપાલિકામાં અગાઉ ગંદકી મુક્ત કરવા સફાઈ ચાલી રહેલી કામગીરી અને હવે મનપા પછીની કામગીરીની સમીક્ષા કરી હતી. આથી આ ગંદકી ક્યાં ક્યાં વિસ્તારમાં ફેલાયેલી છે તે જાણવા તેઓ ખુદ અધિકારીઓ સાથે ફિલ્ડમાં આવ્યા હતા. સફાઈ કામદારો સાથે પણ ચર્ચા કરી તેમની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.જ્યાં જ્યાં ગંદકી દેખાઈ ત્યાં ત્યાં વેપારીઓ સહિતના લોકોને મનપાએ દંડ ફટકાર્યો હતો અને હવે ગંદકી ફેલાવનારની ખેર નહિ રહે તેવી પણ આ દંડનીય કામગીરીથી સંકેત આપ્યો હતો. તેઓએ મોરબીને સ્વચ્છ રાખવા લોકોનો સહયોગ માંગ્યો છે. જરૂર જણાય ત્યાં મનપા કડક પગલાં ભરશે તેવું કહ્યું હતું અને વેપારીઓ તેમજ લોકોને જાહેરમાં જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ન ફેલાવવાની અપીલ કરી હતી.સાથેસાથે આખા મોરબીમાં તેઓ પરિભ્રમણ કરી ગંદકી દૂર કરવા લોકોને જાગૃત કરશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
