મોરબી જિલ્લામાં વાંકાનેર પંથકમાં દીપડાનો કાયમી વસવાટ છે અને હવે વાંકાનેરનો વિડી વિસ્તાર ટૂંકો પડતો હોય તેમ શુક્રવારની રાત્રે દીપડો મોરબીના રાજપર ગામે દેખાતા લોકો ભયભીત બન્યા હતા. દીપડો દેખાતા જ રાજપર ગામના સરપંચે વનવિભાગને જાણ કરતા વન વિભાગ પણ દોડી આવ્યો હતો અને પગલાના નિશાન જોઈ દીપડો આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગોળે આવેલા રાજપર ગામમાં શુક્રવારની રાત્રીના સમયે દીપડો દેખા દેતા ગામ લોકો એકત્રિત થયા હતા અને ગામના સરપંચ ભરતભાઈ મારવાણીયા, જિલ્લા પંચાયત સદસ્ય નયન અઘારા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયાએ વન વિભાગને જાણ કરતા મોરબી આરએફઓ જયદીપસિંહ જાડેજા અને તેમની ટીમ રાજપર ખાતે દોડી આવી હતી. દરમિયાન વન વિભાગની ટીમે જે સ્થળે દીપડો દેખાયો હતો તે સ્થળ ઉપર દીપડાના પગલાના નિશાન જોઈ દીપડો જ હોવાની પુષ્ટિ કરી લોકોને સાવચેત રહેવા સમજુત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા સહિતના વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે જડેશ્વર વિડી વિસ્તારમાંથી દીપડો રાજપર તરફ આવી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

