હાલ મહાપાલિકામાં કોઈ સત્તાધારી પક્ષ ન હોય સક્રિય એવા અન્ય રાજકીય પક્ષોને પણ પ્રાધાન્ય આપવા શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા સરદારબાગના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમાં માત્ર ભાજપના આગેવાનોને જ આમંત્રણ આપી કિન્નખોરી રાખવામાં આવી હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે, મોરબી શહેરમાં ઝુલતાં પુલની ઘટના બની તેના કારણે મોરબી નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી છે. જ્યારથી પાલિકા સુપર સિડ કરવામાં આવી ત્યારથી ચૂંટાયેલ બોડી અસ્તિત્વમાં નથી અને વહીવટદાર મારફત નગરપાલિકાનું સંચાલન કરવામાં આવતું હતું. પરંતુ ૧-૧-૨૦૨૫ના રોજના મોરબીને મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવ્યો અને સરકાર દ્વારા મહાનગરપાલિકાનું સંચાલન કરવા માટે કમિશ્નરની નિમણૂક આપવામાં આવી હતી. તેઓએ ચાર્જ પણ લઈ લીધો અને મોરબી મહાનગરપાલિકાના આવતા વિસ્તારમાં રુબરુ મુલાકાત લઈ જે કામગીરી કરી રહ્યા હોય તે અભિનંદનને પાત્ર છે.
ત્યારે તાજેતરમાં સરદારબાગ શનાળા રોડ વિસ્તારમાં બાગ બગીચાના રીનોવેશનના કામ માટે ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. જેમાં ભારતીય જનતા પક્ષના સંગઠનના લોકોને હાજર રાખી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે લોકશાહીમાં રખાયેલી કીન્નાખોરી છે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અન્ય રાજકીય પક્ષો પણ અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેઓને કમિશ્નર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું નથી. તો શું સરકારના પ્રતિનિધિઓ પણ ભાજપ પક્ષને જ પ્રતિનિધિત્વ આપવા માંગે છે..?
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના હોય અને મહાનગરપાલિકાનું અધિકારી મારફત સંચાલન થતું હોય ત્યારે કોઈ એક જ પક્ષ ને પ્રાથમિકતા આપવાના બદલે અન્ય રાજકીય પક્ષોને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે અન્ય રાજકીય પક્ષો પણ પ્રજાના પ્રશ્નોને લઈ જાગૃત જ છે. તો આ બાબતે કમિશ્નર દ્વારા ભવિષ્યમાં પણ કોઈ એક પક્ષને પ્રાધાન્ય આપવાને બદલે બધા રાજકીય પક્ષોને પ્રાધાન્ય અપાશે તેવી આશા વ્યક્ત કરી છે.
