સમાધાનના બહાને ઘરે આવેલા શખ્સોએ પરિવાર પર તૂટી પડી જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબી : મોરબી નજીક આવેલા ધરમપુર ગામે બાઇક લઈને પસાર થઈ રહેલા દંપતીએ સામેથી આવતા બાઇકમાં લેઝર લાઈટ ફિટ કરેલી હોય અંજાઈ જતા બાઈક ચાલકને લેઝર લાઈટ કાઢી નાખવાનું કહેતા જામી પડી હતી. આ શખ્સે ઝઘડો કરી બાદમાં અન્યોને લઈ ફરિયાદીના ઘેર જઈ સમાધાનના બહાને પરિવાર ઉપર તૂટી પડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા હંસાબેન નરભેરામભાઈ જંજવાડિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.3ના રોજ તેઓ અને તેમના પતિ બાઇકમાં ઘેર આવતા હતા ત્યારે સામેથી આવતા બાઈક ચાલકે લેઝર લાઈટ ચાલુ કરતા નરભેરામભાઈ અંજાઈ જતા બાઈક ચાલક જયદીપ મુકેશભાઈ ઉપસરિયાને બાઈકમાંથી લેઝર લાઈટ કાઢી નાખવા કહ્યું હતું. બાદમાં નરભેરામભાઈ અને હંસાબેન ઘેર પહોંચતા આરોપી કેશુ રમેશભાઈ દેગામાં અને રણજીત ઉર્ફે ચકન નામના બે શખ્સનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તે બાઇકમાં લેઝર લાઈટ કાઢવાનું કહ્યું હતું અને ઝઘડો થયો હતો જેથી અમે સમાધાન કરવા આવીએ છીએ તેમ કહી હંસાબેનના ઘેર આવી બન્ને આરોપીઓએ ઝઘડો કરી હંસાબેનના બે પુત્ર હિતેશ અને નૈમિશને ઢીકા પાટુનો માર મારી લાકડીઓ ફટકારી હતી અને બે અજાણ્યા માણસોએ પણ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા ચારેય વિરુદ્ધ હંસાબેન તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.