માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામના પિતા પુત્રએ માળિયાના ખાખરેચી અને હળવદ તાલુકાના માલધારી સમાજની ચરાવવા રાખેલી ગાયો કતલખાને ધકેલી દીધાની ફરિયાદો નોંધાયા બાદ ધ્રાંગધ્રાના પીપળા ગામે રહેતા બે માલધારીઓની 50 ગાયો પરત ન કરતા માળીયા મિયાણા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા ગોપાલભાઈ સીધાભાઈ ગોલતરે ધ્રાંગધ્રા પોલીસ મથકમાં આરોપી મુસ્તાક અમીનભાઈ લાધાણી અને અમીન કરીમભાઈ લાધાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જીરો નંબરથી આ ફરિયાદ માળીયા પોલીસ મથકને ટ્રાન્સફર કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મુસ્તાક અમીનભાઈ લાધાણી અને અમીન કરીમભાઈ લાધાણીને ફરિયાદી ગોપાલભાઈ અને તેમના ભાઈ મફાભાઈએ 25-25 ગાયો વર્ષ 2023મા મહિને એક ગાયના 300 રૂપિયા લેખે ચરાવવા આપી હતી. બાદમાં વખતો વખત તેઓ માળીયા તાલુકાના ચીખલી ગામે ગાયોની સંભાળ લેવા જતા હતા ત્યારે આરોપી પિતા પુત્ર પાસે ગાયો સલામત હતી.
જો કે, દોઢેક માસ પહેલા જ્યારે ગોપાલભાઈ ચીખલી ગામે પોતાની ગાયો ચેક કરવા માટે ગયા હતા ત્યારે આરોપી મુસ્તાક અમીનભાઈ લાધાણી અને અમીન કરીમભાઈ લાધાણીએ ગાયો જંગલમાં ગઈ હોય રાત્રે પાછી આવી જશે તેમ કહ્યું હતું. અને બાદમાં અન્ય માલધારી સમાજની ગાયોની આરોપીઓએ કતલ કરી નાખી હોવાનું જાણવા મળતા ગોપાલભાઈ અને તેમના ભાઈની ગાયો પણ આરોપીઓએ આજદિન સુધી પરત ન આપતા બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં અઢી લાખની કિંમતની ગાયો ચરાવવા માટે આપ્યા બાદ આરોપીઓએ વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાવી બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.