મોરબી મનપા દ્વારા સતત બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ શરૂ
મોરબી : મોરબી મનપા દ્વારા સતત બીજા દિવસે પણ માર્ગો ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી. જેમાં ગઈકાલે બુધવારે શનાળા રોડ ઉપર દબાણો દૂર કર્યા બાદ આજે બીજા દિવસે મહાપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર દબાણો દૂર કરવા જેસીબી દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.જો કે અમુક વેપારીઓ આ ઝુંબેશથી વાકેફ હોય સ્વેચ્છાએ બોર્ડ અને છાપરા હટાવી નાખ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. આજે સ્ટેશન રોડ ઉપર મહાનગરપાલિકાની ટીમ જેસીબી લઈને પહોંચી હતી. કોઈપણ આગોતરી જાણ વગર જે ઓટા, છાપરા, બોર્ડ રોડ ઉપરથી જેસીબીની મદદથી તોડી પાડવામાં આવતા દબાણકારોમાં કચવાટ ફેલાયો હતો. અમુક વેપારીએ તો નુકસાન ન થાય તે માટે બોર્ડ અને છાપરા સ્વૈચ્છિક રીતે હટાવી લીધા હતા. મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે પણ શનાળા રોડ ઉપર 100થી વધુ દબાણો હટાવ્યા હતા. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ વન વિક વન રોડ ઝુંબેશ શરૂ કરવાના સંકેતો આપ્યા હતા. પણ હાલ તો મહાપાલિકા વન ડે વન રોડ ઝુંબેશ ચલાવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.ત્યારે આગામી સમયમાં 24 રોડ મનપાના કહ્યા મુજબ વન વિક વન રોડ મુજન રોડ ઉપર એક સપ્તાહમાં દબાણો દૂર થશે.? કે દબાણ હટાવ ઝુંબેશ માત્ર લારી ગલ્લા કે ઓટલા સુધી જ સીમિત રહેશે. નાની માછલીની સાથે મોટા મગરમચ્છ સુધી મનપા પહોંચી શકશે તેવો સવાલ ઉભો થયો છે.
