મોરબીના શનાળા રોડ ઉપર રહેતા અને સુપર માર્કેટમાં કટપીસનો વેપાર કરતા વેપારી યુવાન પાસેથી ધાક ધમકી આપી નાણાં પડાવવા મામલે લુખ્ખાગીરી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ આ શખ્સની પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત થતા જ ફરી આ શખ્સે પટેલ યુવાનને ફોન કરી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી અન્યથા જાનથી પતાવી દેવા દાટી મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ગોકુળ મથુરા સોસાયટીમાં આવેલ ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સુપર માર્કેટમાં કટપીસનો ધંધો કરતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા ઉ.21 નામના યુવાને ત્રણેક મહિના પહેલા આરોપી વિશાલ ઉર્ફે વિશલો વેલાભાઈ રબારી રહે.શનાળા વાળા વિરુદ્ધ બળજબરીથી નાણાં પડાવવા સહિતની બાબતો અંગે પોલીસ ફરિયાદ કરતા આ શખ્સની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જે બાદ ગત તા.12ના રોજ આરોપી વિશાલ ઉર્ફે વિશલાએ ફરિયાદી દેવકુમારને ફોન કરી ને કહ્યું હતું કે, હવે હું જામીન ઉપર છૂટી ગયો છું, તારે શુ કરવાનું છે ? મારી વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેજે નહિ તો જાનથી મારી નાખીશ. આમ, જેલમાથી બહાર નીકળ્યા બાદ પણ માથા ભારે ઈસમે ફરી લખણ ઝળકાવી પટેલ વેપારી યુવાનને ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.