ઓમ શાંતિ વિદ્યાલયના બાળકોએ હોંશભેર કર્યું જીવદયાનું કાર્ય : પક્ષીઓ દોરાની ઘુંચમાં ફસાઈ નહિ તે માટે બાળકોએ ઠેક-ઠેકાણેથી દોરાની ઘુંચો એકત્ર કરી શાળાને સોંપી
મોરબી : ઓમ શાંતિ વિદ્યાલયના નાના એવા બાળકોએ મોટું કામ કરીને બતાવ્યું છે. પક્ષીઓના જીવ બચાવવા માટે આ બાળકોએ જહેમત ઉઠાવીને અધધધ 160 કિલો દોરાની ઘુંચ એકત્ર કરી શાળાને સોંપી દીધી છે.
ઉતરાયણના દિવસે પતંગ ઉડાડતા લોકો જે નકામો દોરો અગાસી પરથી નીચે તેમજ કચરામાં ફેંકી દયે છે. આ ઘુંચ પક્ષીઓ માટે જોખમી હોય છે. પક્ષીઓ તેમાં ફસાઈ જાય તો કોઈ મનુષ્યની મદદ વગર નીકળી ન શકે. પક્ષીઓને અપાર વેદના અને દુઃખ ભોગવવા પડે છે. ઉપરાંત આ ઘુંચ ખાવાની ચીજ વસ્તુ સાથે ગાયમાતાના પેટમાં જાયતો તેને પણ અસહ્ય પીડા થાય.
ત્યારે ઓમશાંતિ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓએ ઠેક-ઠેકાણેથી આવી 160 કિલો એટલેકે 8 મણ ઘુંચ એકત્ર કરી જીવદયાનું કાર્ય કર્યું છે. આ માનવતા ભર્યા કાર્યએ સમાજમાં અબોલ પશુ-પક્ષીઓ માટે સેવાની એક મિશાલ કાયમ કરી છે. દરેક વિદ્યાર્થીઓને તેમના આ કાર્ય માટે શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.




