અકસ્માતોની ઘટનામાં ઈજા પામનાર લોકોને મદદ કરવી જોઈએ: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા
મોરબી: માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હાલમાં મોરબીમાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી સંદર્ભ મોરબી પોલીસ દ્વારા સંસ્થાઓ, સ્કુલો, કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, માર્ગ સલામતીના નિયમો, ગુડ સેમેરિટન સ્કીમ સહિતની માહિતી આપી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ અકસ્માતોની ઘટનામાં લોકોએ જાગૃત બની મદદ કરવા તથા સરકારશ્રીના નિયમોને ચુસ્તપણે પાલન કરવા અપિલ કરી હતી.
ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ અપિલ કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા ચાલુ માસ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લાના લોકોને કહ્યું હતું કે, આવો આપણે સાથે મળીને રોડ સેફટી અને સરકારશ્રી દ્વારા અપાતી ગાઈડલાઈનનું આવનાર દિવસોમાં વધુ ચુસ્તપણે પાલન કરીને. રોડ પર બનતા અકસ્માતોમાં નિદોર્ષ લોકોના થતાં મૃત્યું, ઈજા અટકાવી, સાથો સાથ ઈજા પામનાર લોકોને તાત્કાલિક સારવાર કરાવી મદદરૂપ થઈએ. અને મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવા મદદ કરીએ. એક સારા નાગરિક તરીકે આપણી ફરજ નિભાવી એજ અભ્યર્થના..
