ટંકારા તાલુકાના હરિપર (ભૂતકોટડા) ગામના કારખાનેદારને ફોનમાં મીઠી મીઠી વાતો કરી હનીટ્રેપમાં ફસાઈ ગયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ટંકારા ગામની મહિલા અને તેના પતિ સહિતના મળતીયાઓએ કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરવાની સાથે માર મારી રૂપિયા 6 લાખ ખંડણી પડાવતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના હરિપર (ભૂત કોટડા) ગામે રહેતા અને મિતાણાના ગણેશપર રોડ ઉપર પોલીપેકનું કારખાનું ધરાવતા અજિતભાઈ મુળજીભાઈ ભાગીયા ઉ.37 નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, સાતેક દિવસ પૂર્વે તેમના મોબાઈલ ફોનમાં દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ નામની મહિલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે પાણી વાળા ભાઈ બોલો છો? જેથી અજિતભાઈએ ના પાડતા આ મહિલાએ વાતો કરવાનું ચાલુ રાખી તેણીનો પતિ ટ્રક ચાલક હોય અજિતભાઈને ફ્રેન્ડશીપ રાખવા માટે કહ્યું હતું.
બાદમાં હનીટ્રેપની માસ્ટર માઈન્ડ દિવ્યા ઉર્ફે પૂજાએ સતત અજિતભાઈ સાથે મોબાઈલ ફોનમાં મેસેજમાં વાતો ચાલુ રાખી પોતે રાજકોટ દવાખાને જતી હોય સાથે આવવા કહેતા હનીટ્રેપમા ફસાયેલા અજિતભાઈ તેમના મિત્ર જયદીપ ચૌધરીએ આ પૂજા ઉર્ફે દિવ્યાને છતર પાસે ઉભા રહેવા જણાવતા પીળી સાળીમાં સજ્જ થઈ દિવ્યા ઉર્ફે પૂજા ત્યાં ઉભી હોય બન્નેએ ગાડીમાં બેસાડી લઈ રાજકોટ ગયા હતા અને ત્યાંથી જામનગર રોડ ઉપર આવેલ હોટલ ટીજીએમ સહિતના સ્થળે ફરી પરત આવતા હતા ત્યારે આ ભેજાબાજ શિકારી મહિલાએ કોઈ આપણો પીછો કરતો હોવાનું કહી છતર પાસે ગાડી ઉભી રાખવતા જ પાછળથી જીજે – 36 – એજે – 9172 નંબરની કાર ધસી આવી હતી. જેમાંથી ઉતરેલા આરોપીઓએ ફરિયાદી અજિતભાઈ તેમજ જયદીપનું અપહરણ કરી બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાનું માર મારી આગળ હોટલ કાર ઉભી રાખી રોકડા રૂપિયા 1 લાખ પડાવી લીધા હતા.
વધુમાં અજિતભાઈને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગ દ્વારા વધુ નાણાંની ઉઘરાણી ચાલુ રાખતા આ અંગે તેઓએ તેમના મિત્ર રસિકભાઈ દુબરીયાને વાત કરતા પોલીસ ફરિયાદ કરવા જણાવતા અજિતભાઈ ભાગીયાએ અપહરણ કરનાર આરોપી દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ, રમેશ કાળુભાઇ જાદવ રહે.બન્ને ટંકારા, સંજય ભીખાલાલ પટેલ રહે.મોરબી, હાર્દિક કિશોરભાઈ મકવાણા રહે.નાની વાવડી, મોરબી અને દિવ્યા ઉર્ફે પૂજાના ભાઈ તરીકે ઓળખ આપનાર ઋત્વિક નામના શખ્સ વિરુદ્ધ બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરાવવાની ધમકી આપી છ લાખ પડાવી લેવા મામલે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.