જામનગર : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામની સુહાનીએ પિતા રાજેશભાઈનું અવસાન થતાં સ્મશાન યાત્રામાં પિતાને કાંધ આપી પુત્રની જેમ મુખાગ્ની આપી અંતિમસંસ્કાર કરી દીકરો દીકરી એક સમાનની ઉક્તિ સાર્થક કરી છે.
જેમાં સુહાનીના પિતા રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા જોડિયા તાલુકાના કેશીયા ગામે હાઈ સ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેઓનું તા. 20-1-2025ના રોજ અકસ્માતે અવસાન થયું હતું. તેમને સંતાનોમાં બે દીકરીઓ છે. તેમાંથી મોટા દીકરી સુહાનીબેન પિતાનું સપનું સાકાર કરવા રાજકોટમાં કોમ્પ્યુટર એન્જિનિયરરીંગનો અભ્યાસ કરે છે. તા. 21-1-2025 ના રોજ જામદુધઈ મુકામેથી જ્યારે ધર્મપ્રેમી અને ખૂબ જ લાગણીશીલ સ્વભાવ ધરાવતા રાજેશભાઈની સ્મશાનયાત્રા નીકળી તો તેમના કુટુંબની સાથે અનેક લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. પરંતુ વિશેષ વાત એ હતી કે દીકરી સુહાનીએ પિતાની સ્મશાન યાત્રામાં પિતાને કાંધ આપી. એટલું જ નહીં પરંતુ પુત્રની જેમ તેમને મુખાગ્ની આપી અંતિમસંસ્કાર કર્યો હતો. અને વર્તમાન સમાજને એક નવું ઉદાહરણ પુરુ પાળ્યું હતું.

