મોરબી : મોરબીના શનાળા રોડ કન્યા છાત્રાલય પાછળની સોસાયટીમાં પાણી પ્રશ્ને જાગૃત નાગરિકે મહાપાલિકાના કમિશનરને રજુઆત કરી જો પાણી પ્રશ્ન નહિ ઉકેલાય તો પાણી પ્રશ્ને પાણીના ટાંકામાં બેસી અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી આપી છે.
મોરબીના શનાળા રોડ કન્યા છાત્રાલય પાછળ આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનકુમાર મનસુખભાઈ ભીલાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેમના ઘરે અને સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી અને પાણી ક્યારે આવે એ નક્કી જ નથી હોતું.પાણી તંત્ર ક્યારે છોડે એ નક્કી જ હોતું. છેલ્લા દસ દિવસથી પાણી સમ ખાવા પૂરતું પણ આવ્યું નથી.અગાઉ ક્યારેક રાત્રે પાણી આવતું હતું. પણ રાત્રે બધા ઉંઘતા હોય એટલે પાણી ક્યારે આવીને જતું રહે એની ખબર નથી. છતાં પાણીએ દુઃખી રહેવાનો વારો આવે છે. ગયા વર્ષે તમામ જળભંડાર જળબંબાકાર થઈ ગયા છે. છતાં તેમને અને સોસાયટી લોકોને તરસ્યા રહેવાનો વખત આવ્યો છે.આ પાણી પ્રશ્ને તેઓએ તંત્રને રજુઆત કરી છે છતાં પાણી પ્રશ્ન ઉકેલાયો નથી. એટલે તેઓ નાછૂટકે આંદોલન કરવા મજબુર બન્યા છે અને પાણી પ્રશ્ન ન ઉકેલાય તો આગામી સમયમાં પાણીના ટાંકામાં બેસીને અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે.