મોરબી – હળવદ હાઇવે ઉપર ચારેક દિવસ પૂર્વે સિરામિક ફેકટરીમાં કામ કરતો યુવાન કામેથી ઘેર જતો હતો ત્યારે તપોવન આશ્રમ નજીક કન્ટેનર ટ્રકના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક ઉપર ટ્રકનો જોટો ફરી વળતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યો બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી નાસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર તપોવન આશ્રમ સામે ગત તા. 18ના રોજ જીજે -12 – બીટી – 8842 નંબરના ટ્રક કન્ટેનર ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી જીજે – 36 – એચ – 2388 નંબરનું બાઈક લઈ પોતાના ઘેર જઈ રહેલા રાજેશભાઈ ચતુરભાઈ દલવાડી ઉ.33 નામના યુવાનને ઠોકર મારી હડફેટે લેતા રાજેશભાઈ ઉપર ટ્રકનો જોટો ફરી વળતા ઘટના સ્થળે જ રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક નાસી જતા ઘટના અંગે મૃતકના હળવદ રહેતા પિતા ચતુરભાઈ માવજીભાઈ દલવાડીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.