મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના ચાર બનાવ બન્યા હતા જેમાં ગાળા ગામે મશીનમાં આવી જતા શ્રમિકનું મૃત્યુ થયું હતું જ્યારે જસમતગઢમા ડૂબી જવાથી તેમજ હળવદમાં દવા પી અને વાંકાનેરમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીના ગાળા નજીક આવેલ સોલોરેક્ષ ટાઇલ્સ નામની ફેકટરીમાં કામ કરતા બીનુસિંગ મુનસિંગ ઉ.35 નામનો યુવાન કામ કરતો હતો ત્યારે કન્વેયર બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મોરબીના જસમતગઢ ગામે પાવડીયારી કેનાલ નજીક તલાવડીમાં ડૂબી જતાં પંકજ મનસુખભાઇ પરમાર ઉ.24 રહે.જેતપર ગામ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત હળવદ શહેરમા શરણેશ્વર મહાદેવ મંદિર નજીક તળાવની પાળે નરેન્દ્રગીરી રમણિકગીરી ગોસાઈ ઉ.44 રહે.લક્ષ્મીનારાયણ ચોક નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વાંકાનેરના પેડક રોડ ઉપર દિગ્વિજયનગરમાં રાજકોટના માલિયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઈ વઘેરા ઉ.22 નામના પરિણીતાએ પોતાના પિતા અશોકભાઈ મોહનભાઇ પરમારના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.