હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે કરિયાણાના વેપારીની દુકાને સિગારેટ પીધા બાદ સિગારેટના પૈસા ન આપનાર શખ્સ પાસે પૈસા માંગતા વેપારીબંધુ ઉપર આરોપીએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે કરિયાણાની દુકાન ધરાવતા નટવરલાલ ધનજીભાઈ ઠક્કરે આરોપી પ્રતાપ જીલુભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ આરોપી પ્રતાપે તેમની દુકાને આવી સિગારેટ પીધી હતી અને પૈસા ન આપ્યા હોય જેથી તેમના પુત્ર ટીનેશભાઈએ સિગારેટના પૈસા માંગતા ઉશ્કેરાઈ ગયેલા પ્રતાપે ટીનેશભાઈ અને સાહેદ સુરેશભાઈને છરીના ઘા ઝીકી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.