મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મનોદિવ્યાંગ સગીરાને પોતાની દુકાનમાં બોલાવી બે વખત દુષ્કર્મ આચરનાર વેપારી એવા ખેડૂતે ગર્ભવતી બનાવી દેવાના વર્ષ 2022ના ચકચારી કેસમાં મોરબીની પોકસો અદાલતે આરોપીને આજીવન કેદની સજા ઉપરાંત 85 હજારનો દંડ ફટકારતો હુકમ કરી ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયા કમ્પેસેશન તેમજ આરોપીને ફટકારવામાં આવેલ 85 હજારની રકમ ચૂકવવા પણ આદેશ કર્યો હતો.
આ ચકચારી કેસની વિગત જોઈએ તો મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મનોદિવ્યાંગ સગીરાને પોતાની દુકાનમાં બોલાવી દુકાનનું શટર બંધ કરી આરોપી સુરેશ ભગવાનજી જાલરીયા ઉ.42 નામના ઢગાએ બે વખત દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. બનાવની જાણ થતા સગીરાના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી સજ્જડ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા કેસ ચાલી જતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ કે.આર.પંડ્યાએ 44 પુરાવાઓ અને સરકારી વકીલ નિરજભાઈ કારીયાની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપી સુરેશ ભગવાનજી જાલરીયાને તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને 85 હજારનો દંડ ફટકારતો હુકમ કરી સગીરાને 4 લાખ રૂપિયા કમ્પેસેશન તેમજ આરોપીને ફટકારવામાં આવેલ દંડની રકમ 85 હજાર ચૂકવવા આદેશ કર્યો હતો.