શ્રી સરસ્વતી શિશુમંદિર-શનાળા મુકામે 76 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિદ્યાલયના સક્રિય વાલી શૈલેષભાઈ ઝાલરીયા ઉપસ્થિત રહ્યા તેની સાથે વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્યો, આચાર્યો, વાલીગણ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષભાઈના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રમુખશ્રી ડોક્ટર બાબુભાઈ અઘારા એ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતાની સાથે બંધારણ શું છે? શા માટે છે? અને કેવું હોવું જોઈએ? આ વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી.
તેમના વક્તવ્ય બાદ વાલી પ્રશ્નપત્રમાં વિજેતા થયેલા વાલીઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ કક્ષા-૭ના વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી અને રાષ્ટ્રભાષા હિન્દીમાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ વિશે વક્તવ્ય રજૂ કરતા કહ્યું કે રાષ્ટ્રભક્તિ કેવી હોવી જોઈએ? માત્ર રાષ્ટ્રગાન બોલવું, નારા બોલવા એ જ રાષ્ટ્ર ભક્તિ નથી, પરંતુ દેશમાં પર્યાવરણની જાળવણી કરવી, નદીઓને સ્વચ્છ રાખવી, વૃક્ષનું જતન કરવું, અને પોતાનું નાગરિક તરીકેનું કર્તવ્ય જાળવી રાખવું એ પણ સાચી રાષ્ટ્રભક્તિ જ છે.
ત્યારબાદ બાલવાટિકાના નાના-નાના ભૂલકાઓ દ્વારા જુદી જુદી રમતો રમવામાં આવી હતી. જેવી કે લીંબુ ચમચી, કોથળાદોડ, ગ્લાસ પિરામિડ. ત્યાર પછી આ કાર્યક્રમમાં કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓએ દેશભક્તિને લગતી જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી. તેમજ વિદ્યાલયના વહન સારથી દ્વારા વિદ્યાર્થીને તૈયાર કરાવેલ કાકભુષંડી રામાયણ રજૂ કરવામાં આવી હતી. અંતે ભારતમાતાનું પૂજન કરી, શાંતિ મંત્ર બોલી અને પ્રસાદ લઈને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

